નેત્રદાન કેવી રીતે કરવામાં આવે છે ? જાણો સંપૂર્ણ પ્રકિયા, સાવધાની અને જરૂરી જાણકારી

  • 20 February, 2026

મહત્વનું દાન ચક્ષુદાન : ચક્ષુદાન મૃત્યુ બાદ ૬ કલાકમાં ચક્ષુદાન કરવું જરૂરી : ચક્ષુઓની સાચવણી માટે ર૪ કલાક કાર્યરત બેંક

 આપણે સાંભળ્યું છે હશે કે ચક્ષુદાન મહાદાન અથવા તો જીવતા રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન પણ ખરેખર આ ચક્ષુદાન છે શું ? અને જરૂરી શેના માટે છે ? ચક્ષુદાન એટલે મૃત્યુ બાદ મરનારની આંખોનું દાન કરવું, એ જરૂરી એટલા માટે છે કે કારણ કે ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખનો આગળનો ગોળ પારદર્શક ભાગ કોર્નિયા કહેવાય છે) જો આ પારદર્શક ભાગ-અપારદર્શક (ફેલાયેલો) સફેદ થઇ જાય તો તેને દેખાતુ બંધ થઇ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ ચક્ષુદાન કરીએ તો કોઇ અંધ વ્યકિતને રોશની મળી જાય તો આનાથી સારું માનવીય કાર્ય કર્યું હોય શકે ? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઇબેંક) હોય છ જે (આઇ બેંક એસો. ઓફ ઇન્ડિયા) તથા Human organ transplation act (gujarat)માં રજીસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ (કીકીના સુપરસ્પેશ્યાલીસ્ટ) સર્જન ફરજિયાત હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ - કેરેટોપ્લાસ્ટી)ના ઓપરેશનમાં નિપુણ હોય છે. આમ ચક્ષુદાનમાં મળેલી બે આંખોની કીકી લઇ બે કીકીના અંધાપાથી પીડાતા લોકોને જોવામાં મદદ કરી શકે છે.

-              ભારતમાં આશરે ૬૦ લાખ લોકો કીકીના અંધાપાથી પીડાય છે. અને દર વર્ષે તેમાં ૩૦ હજાર લોકોનો ઉમેરો થતો રહે છે. આમાં ૬૦ ટકા લોકો બાળકો અને યુવાનો છે. આવા લોકોને ચક્ષુદાન દ્વારા નવી દૃષ્ટિ મળી શકે છે.

-              જયારે એક વ્યકિતનું ચક્ષુદાન થાય ત્યારે બે અથવા તો ચાર વ્યકિતને નવી દૃષ્ટિ મળી શકે છે.

-              જે વ્યકિત કીકીના અંધાપાથી પીડાતુ હોય તેને જ નેત્રદાનથી મળેલી આંખો દ્વારા દૃષ્ટિ પાછી મળી શકે છે.

-              નેત્રદાનમાં કોઇપણ પ્રકારનો ચાર્જ ચુકવવામાં આવતો નથી. તેને સમાજ સેવાનો એક ભાગ ગણવામાં આવે છે.

નેત્રદાન કયારે થઇ શકે ?

કોઇ વ્યકિતનું મૃત્યુ થયા બાદ છ કલાક સુધી ચક્ષુદાન કરી શકાય છે.

નેત્રદાનની પ્રક્રિયા :

-              ચક્ષુદાન માટે ઇચ્છુક હોય તેવા વ્યકિતના સગાએ સૌપ્રથમ આઇ બેંકમાં કોલ કરવો. અર્હમ આઇ બેંક ર૪ કલાક અને ૩૬૫ દિવસ માટે કાર્યરત છે.

-              કોઇપણ વ્યકિતના નેત્રદાન માટે તેના નજીકના સગાની સંમતી સૌથી વધારે જરુરી છે.

-              વ્યકિતના મૃત્યુ બાદ નેત્રદાન માટે ઇચ્છુક હોય તેમણે તે મૃત વ્યકિતની આંખો બંધ રાખવી. આંખ ઉપર ભીનુ કપડુ રાખવું, પંખો ચાલુ હોય તો બંધ કરી દેવો.

-              નેત્રદાન કરવા માટે અમારી ટીમ જયારે જે તે જગ્યાએ પહોંચે છે ત્યારે સૌપ્રથમ મૃત વ્યકિતના સગાની સંમતી પત્રક પર સહી કરાવવામાં આવે છે.

-              ત્યારબાદ ચક્ષુ લેવામાં આવે છે અને તે વ્યકિતની બન્ને પાંપણોમાં ટાંકો લેવામાં આવે છે જેથી તે વ્યકિતના ચહેરાનો દેખાવ જળવાઇ રહે છે અને બેડોળ નથી થતો. તેની સાથે બ્લડ સેમ્પલ પણ લેવામાં આવે છે જેથી કરીને તપાસ કરી શકાય કે મૃત્ય વ્યકિતને કોઇ ઇન્ફકેશન હતુ કે નહીં.

-              આ આખી પ્રક્રિયામાં પંદરેક મિનિટ જેવો ટાઇમ લાગે છે.

-              ત્યારબાદ આ ચક્ષુને એક ખાસ મીડિયામાં રાખવામાં આવે છે જેથી કરીને તે લાંબા ટાઇમ (૪ દિવસ/૧૫ દિવસ) સુધી સચવાઇ રહે.

-              ત્યારબાદ વેઇટીંગ લીસ્ટમાંથી દર્દીને ઓપરેશન માટે બોલાવવામાં આવે છે.

-              આજે આટલા ચક્ષુદાન ન થતા હોવાથી વેઇટીંગ લીસ્ટ હોય છે.

-              આથી જો આપણે જાગૃત થઇને વધારેમાં વધારે ચક્ષુદાન કરીએ તો જે લોકો જોઇ નથી શકતા તેમને દૃષ્ટિ મળી શકે છે.

-              ચક્ષુદાન કરવામાં ગુજરાત ત્રીજા નંબરે છે તેને પહેલા નંબરે લઇ આવવું એ આપણી જવાબદારી છે.

જો તમે તમારા સ્નેહીજનને મૃત્યુબાદ પણ જીવીત રાખવા માગતા હો તો ચક્ષુદાન કરો. આ અતિ સારું સામાજિક કાર્ય છે જેના અમને મદદ કરો વધુ ને વધુ ચક્ષુદાન કરો. ચક્ષુદાન માટે ફકત એક ફોન કરો. ડો. ધર્મેશ શાહ, અર્હમ આઇ બેંક, લક્ષ્મીનગર ચોક પાસે, પંચવટી રોડ, મારૂતિ સ્કુલ બાજુમાં, રાજકોટ. Email : arhameyecare@gmail.com

મો. ૯૪૨૬૭ ૮૬૧૬૫, ૯૮૨૫૩ ૬૬૯૬૬