મોતીયો એટલે શું ?
20 February, 2026
સામાન્ય રીતે આપણી આંખ એક કેમેરાની માફક કામ કરે છે. જેમ કેમેરામાં એક પારદર્શક લેન્સ હોય છે તેમ આપણી આંખમાં પણ એક પારદર્શક લેન્સ હોય છે.
જેમ જેમ ઉંમર થાય એમ આ પારદર્શક લેન્સ અપારદર્શક થઇ જાય છે. આને મોતીયો કહેવાય છે. આને લીધે દર્દી પ્રકાશ અને અંધારાને મહેસુસ કરી શકે છે પણ દેખાતું નથી.
મોતીયાના કારણ શું છે ?
આ બીમારી સામાન્ય રીતે ઉંમરને લીધે આવતા બદલાવનો જ એક ભાગ છે જે મોટાભાગે પ૦ વર્ષની ઉંમર પછી થાય છે. મોતીયો આંખમાં વાગવાને લીધે, ડાયાબીટીસ, કીડનીના રોગો જેવી શરીરની બીજી બીમારીને લીધે તથા દવાઓની આડઅસરને લઇને પણ થઇ શકે છે. નાની ઉંમરના માણસોને પણ મોતીયાની અસર થઇ શકે છે અથવા જન્મથી પણ મોતીયો હોય શકે છે.
મોતીયાના લક્ષણો શું હોઇ શકે ?
- ઝાખી અને અસ્પષ્ટ દૃષ્ટિ થવી/ધુંધળુ દેખાવુ
- રંગો ઝાખા અને પીળાશ પડતા લાગવા
- રાત્રીના ભાગમાં પ્રકાશના કુંડાળા દેખાવા
- દુરનું જોવામાં અને રાત્રે વાહન ચલાવવામાં તકલીફ પડવી
- કયારેક વસ્તુ ડબલ દેખાવી
- કીકી (Pupil) સફેદ અથવા પીળી થવા માંડવી
- વાંચવાના ચશ્મા હોય તો ઉતરી જવા
- ચશ્માના નંબર વારે વારે બદલાઇ જવા
મોતીયાની સારવાર શું છે ?
મોતીયાનું નિવારણ દવા કે પરેજીથી થતુ નથી કે મોતીયો આવતો અટકાવી શકાતો નથી. ઓપરેશન એકમાત્ર ઇલાજ છે. જયારે દૈનિક પ્રવૃત્તિમાં દ્રષ્ટિને કારણે તકલીફ પડતી હોય ત્યારે મોતિયાનું ઓપરેશન તાત્કાલીક કરવું જોઇએ. મોતીયો કઠણ (Hard Mature) થઇ જાય અથવા તો વધુ પડતો પાકી જાય તો આંખમાં બીજી મુશ્કેલી સર્જાય છે. જેના કારણે દૃષ્ટિમાં તકલીફ થાય છે.
મોતીયાનું ઓપરેશન
મોતીયાનું ઓપરેશન આજે સૌથી સામાન્ય અને પ્રચલિત પદ્ધતિ છે. અતિ આધુનિક સાધન અને નવી ટેકનોલોજીના કારણે મોતીયાની સારવાર સલામત અને પ્રમાણિત ચિકિત્સા છે.
મોતીયાના ઓપરેશન દરમિયાન તમારા ડોકટર સૌથી પહેલા એક નાનો ચેકો મુકીને તમારા ઝાંખા પડેલા વૃદ્ધાવસ્થાની અસરવાળા કુદરતી ક્રિસ્ટલાઇન લેન્સ ને અતિ આધુનિક Phaco મશીન દ્વારા ઓગાળીને Suctionથી કાઢી નાખશે. પછી એક ઇન્ટ્રાઆકયુલર લેન્સ જેને IOL નેત્રમણી કહેવાય છે તે તમારી આંખોમાં મુકવામાં આવશે. આ ચેકો એટલો નાનો હોય છે કે ટાંકા લેવાની જરૂર પડતી નથી અને આંખમાં ટીપાથી રૂઝ આવી જાય છે.
આંખમાં જે નવો IOL મુકવામાં આવે છે એ ઘણા પ્રકારના હોય છે.
મોતીયાના ઓપરેશન પછી આ બધુ ધ્યાન રાખો
- આંખના ટીપાનો ઉપયોગ કરતા પહેલા હાથ બરાબર ધુઓ
- આંખને હાથ વડે ચોળશો નહીં અને આંખ ને ઉકાળેલા પાણીથી સાફ કરો (પાણી મા રૂ અને ર થી ૩ મિનિટ ઉકાળી લેવુ)
- બહાર જાઓ ત્યારે ઘેરા ચશ્મા પહેરો
- તમને ઉધરસ શરદી કે કબજીયાત હોય તો તરત સારવાર લો
- ઓપરેશન પછી ૧ અઠવાડિયા સુધી માથુ પલાળીને સ્નાન ન કરો
- નિયમિત આહાર લો
- આંખમાં પાણી છાટવુ નહી
- ટીપા ડોકટરે જણાવ્યા મુજબ નાખવાના આંખની નીચેની પાપણ ખોલીને ત્યાં જ એક ટીપુ નાખવાનું
- કોઇપણ સમસ્યા થાય તો તમારા આંખના ડોકટરને મળો.

